ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સીના એક્ઝિટ પોલ ભાજપના ઝળહળતા વિજયનો અણસાર આપે છે. તો રાજકીય વિશ્લેષકો પણ ભાજપની જીત નિશ્ચિત હોવાનું માને છે. તેમની આ દૃઢ માન્યતા પાછળ ક્યા કારણ અને તારણ રહેલા છે, ગત ચૂંટણી કરતાં મતદાનની ટકાવારી ઓછી હોવા છતાં ભાજપ શા માટે જ્વલંત વિજય તરફ આગળ ધપી રહ્યાો છે તેની પાછળના કારણોની રસપ્રદ છણાવટ કરે છે રાજ્યના વરિષ્ઠ પત્રકારો અને વિશ્લેષકો.
•••
દેવેન્દ્ર પટેલ, વરિષ્ઠ પત્રકાર - લેખક
ગુજરાત વિધાનસભાની હાઇપ્રોફાઇલ ચૂંટણીનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે, ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ફરી બહુમતીથી સત્તા હાંસલ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે, કારણ કે 2024માં દેશની લોકસભાની સામાન્ય ચૂંટણી આવી રહી છે. તેની પૂર્વ સંધ્યાએ થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2024ની લોકસભાની ચૂંટણીના ટ્રેલર સમાન ગણવામાં આવે છે. આ ચૂંટણી પર દેશના તમામ લોકોનું ધ્યાન હતું, કારણ કે ગુજરાત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનું ગૃહરાજ્ય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે બહુમતીથી જીતવી જરૂરી ગણાય છે, કારણ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ લોકસભાની ચૂંટણીનાં પરિણામો માટે એક પ્રકારના દિશાનિર્દેશ છે.
2016માં ગુજરાતની ભાજપ સરકાર સામે પાટીદાર આંદોલન, દલિતોના હક માટેનું આંદોલન અને ઓબીસી આંદોલન થયું હતું. એ બધાં જ આંદોલનો આ ચૂંટણી પૂર્વે જ સમેટાઈ ગયાં. પાટીદારોની નારાજગી દૂર કરી દેવાઈ અને ભાજપ માટે ચૂંટણી જીતવાનો રસ્તો આસાન કરી દેવાયો.
ગુજરાત વડાપ્રધાન મોદીનું હોમ સ્ટેટ હોવા છતાં કોંગ્રેસના હાઇકમાન્ડે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને ગંભીરતાથી લીધી જ નહીં. વડાપ્રધાનની ગુજરાતમાં 34 જાહેરસભાની સામે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માત્ર બે વખત ગુજરાત આવ્યા. રાષ્ટ્રીય કોંગ્રેસના અન્ય કોઈ મોટા ગણાતા નેતાઓ ગુજરાતમાં ફરક્યા જ નહીં. ઉપરાંત મલ્લિકાર્જુન ખડગે એવું બોલીને ગયા કે ભાજપને જ ફાયદો થયો.
હવે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની વાત. ગુજરાતની ચૂંટણી જીતવા આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતાં વધુ મહેનત કરી. વધુ સભાઓ અને રોડ-શૉ પણ કર્યા. મુખ્યમંત્રીનો ચહેરો પણ જાહેર કરી દીધો, પરંતુ ગુજરાતમાં પેલી કહેવત છે ને: ‘ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘરમાં ધમાધમ’ જેવો ઘાટ આમ આદમી પાર્ટીનો થયો. અરવિંદ કેજરીવાલે મફત રેવડી આપવાની વાત કરી, પરંતુ તેઓ એ વાત ભૂલ્યા કે ગુજરાતીઓને મફતનું કશું જ ખપતું નથી.
-----------------------------
વિદ્યુત ઠાકર, રાજકીય વિશ્લેષક
મોદીના ગુજરાતમાં 27 વર્ષ બાદ પણ ભાજપનો વિકલ્પ ભાજપ જ છે. ગુજરાતમાં કોંગ્રેસ ફાવી નથી અને ભવિષ્યમાં ક્યારેય ફાવવાની પણ નથી. મોદીનો પ્રતિકાર કરવાની કોઈ ક્ષમતા કોંગ્રેસમાં નથી. અને વાત આવે છે ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટીની તો તેની પણ મોદીના કદ સામે કોઈ વિસાત નથી.
ગુજરાતમાં ચૂંટણી ભલે વિધાનસભાની હોય, પરંતુ સ્થાનિક ઉમેદવારોને મતદાતા વોટ આપતા જ નથી. તેઓ તો માત્ર નરેન્દ્ર મોદીના ભાજપને જ પોતાનો બહુમૂલ્ય મત આપતા હોય છે. એક રીતે કહીએ તો આ ચૂંટણી ભાજપ નથી લડી રહ્યો પણ નરેન્દ્ર મોદી જ લડી રહ્યા છે.
કોંગ્રેસ માટે વિધિની વક્રતા છે તે ગુજરાતમાં 27 વર્ષ પહેલાં જનસંઘમાંથી બનેલી પાર્ટી ભારતીય જનતા પક્ષ સત્તારૂઢ થઈ હતી, તેને રાઈસમાન પણ કોંગ્રેસ વિપક્ષ તરીકે હલાવી શકી નથી. એકતરફ ભાજપનો ચહેરો માત્ર મોદી બની રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાસે ભાજપની સામે ઊભો કરવા માટે હજુપણ કોઈ યોગ્ય ચહેરો છે જ નહીં. એટલે કહી શકાય કે સ્થાનિક સ્તરે કોંગ્રેસનો એકપણ ચહેરો ભાજપની સામે પોતાની છાપ છોડી શક્યો નથી, જેનાથી ભાજપને ચિંતાની એક સળ પણ પડે.
કોંગ્રેસની સ્થિતિ હાલની સ્થિતિમાં વનવાસ ભોગવી રહી હોય તેવી કહી શકાય. કારણ કે 32-32 વર્ષે પણ હજુ રાજકારણમાંથી બહાર રહી તે વનવાસ ભોગવી રહી છે. આટલા લાંબા સમય સુધી રાજકારણમાંથી બહાર રહેવાના કારણે કોંગ્રેસ માટે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવવું અઘરું બની રહ્યું છે. રામને તો માત્ર 14 વર્ષનો વનવાસ ભોગવવાનો વારો આવ્યો હતો, પરંતુ કોંગ્રેસે 32-32 વર્ષ સુધી વનવાસ ભોગવ્યો હોવા છતાં તેને ભવિષ્યમાં ક્યારેય પણ સત્તા પર પરત બેસવાની એક નાનીસરખી આશા પણ દેખાઈ રહી નથી.
વાત આવે છે જ્યારે ગુજરાતમાં ત્રીજા પક્ષની એટલે કે ત્રીજા મોરચાની, તો ગુજરાતનો ઇતિહાસ છે કે ક્યારેય ત્રીજા મોરચાને ગુજરાતની જનતાએ સ્વીકાર્યો નથી અને ક્યારેય સ્વીકારશે પણ નહીં. એટલે કહી શકાય તે દિલ્હીથી આયાત થયેલી આ પાર્ટીને ગુજરાતની જનતા ધિક્કારી દેશે. આપ પોતાની ઇમેજનો ફજેતો જાતે જ કરશે. રાજકીય ગણિત જોઈએ તો આમ આદમી પાર્ટીને 15 મતથી વધારે મળી શકશે જ નહીં.
-----------------------------
દિલીપ પટેલ, વરિષ્ઠ પત્રકાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે એક રાજ્યની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં 90 બેઠકો પર સીધો પ્રચાર કર્યો હતો. રેલી, રોડશો, ઉદઘાટનો જેના કાર્યક્રમો કર્યા હતા. વડાપ્રધાને પોતાના નામ પર ગુજરાતની પ્રજાને મત આપવા માટે સીધી અપીલ કરી હતી. તેમ છતાં મતદાન 2017ની સરખામણીએ વધવાના બદલી ઘટી ગયું છે. જે પ્રજાની સ્પષ્ટ નારાજગી વડાપ્રધાન અને ગુજરાત સરકાર તરફે બતાવે છે. ભાજપ દ્વારા મોદીની મંજૂરીથી અનેક ધારાસભ્યો અને નેતાઓનું પક્ષ પરિવર્તન કરાવીને વિરોધી વિચારધારાના મજબૂત લોકસમર્થન ધરાવતાં નેતાઓને લેવામાં આવ્યા હતા, તેમ છતાં ઓછું મતદાન થયું છે. મોટી વાત એ છે કે જ્યાં ભાજપના સભ્યો બળવો કરીને ઊભા હતા ત્યાં સારું એવું મતદાન થયું છે. લોકોએ બળવાખોરોને આવકાર આપ્યો છે પણ પક્ષાંતર કરનારાઓની બહુ તરફેણમાં નથી.
પહેલા અને બીજા તબક્કામાં મતદાન થાય તે પહેલાં જ સટ્ટાબજારિયાઓ કોંગ્રેસને 37 બેઠકો મળશે એવી સચોટ આગાહી સાથે કરોડો રૂપિયાનો ધંધો ભારે આત્મવિશ્વાસથી કરતાં જોવા મળ્યા હતા. એક્ઝિટ પોલ પણ કોંગ્રેસને 37 બેઠકો બતાવીને સટ્ટાખોરોના આત્મવિશ્વાસને સમર્થન આપતા આંકડા દર્શાવે છે.
અમદાવાદની 16 બેઠકો પર નરેન્દ્ર મોદીએ બે મોટા રોડ શો કર્યા હતા. આ રેલી 10 કલાક સુધી આખા શહેરમાં બે દિવસ સુધી ફરી અને વડાપ્રધાને બે દિવસ અહીં ફાળવી દીધા હતા. લોકો મોટી સંખ્યામાં વડાપ્રધાનને સમર્થન આપી રહ્યાં હોવાનો માહોલ ટીવી અને છાપામાં ઊભો કરવામાં આવ્યો હતો. તેમ છતાં આખા રાજ્યમાં સૌથી ઓછું મતદાન અમદાવાદની પ્રજાએ કર્યું છે. તે વડાપ્રધાનને જાકારો જ બતાવે છે. નરેન્દ્ર મોદીની રાજનીતિ 1987થી સ્પષ્ટ છે કે, માત્ર મોદી જ રાજનીતિ નક્કી કરશે. સત્તા પર કાયમી ટકી રહેવું હોય તો કોંગ્રેસને સાફ કરવી પડે. તેમણે 2014થી આ કામ પક્ષાંતરથી કર્યું છે.લોકોએ ઉમળકાભેર ભાજપને મત આપ્યા નથી. ત્યાં સુધી કે નારાજગીના કારણે મતદાનમાં પણ ઘટાડો નોંધાયો છે. ભાજપના મતો ઘટશે, છતાં 2017 કરતાં વધારે બેઠકો ભાજપ મેળવશે એ કદાચ કલ્પના થઈ શકે છે.